Copy
આ અંકમાં વાંચો - ન્યુ ઓર્લીન્સની સ્ટ્રીટ આર્ટ ટૂઅરનો બીજો ભાગ, તાજેતરમાં મેં વાંચેલાં એક પુસ્તકનો રિવ્યુ, આજનું અચરજ અને બીજું ઘણું બધું ...  

નવો પ્રવાસ

આ પોસ્ટમાં માણો ન્યુ ઓર્લીન્સની સ્ટ્રીટ આર્ટ ટૂઅરનું બીજું પ્રકરણ અને જાણો કેટલીક નવી કહાનીઓ તથા નવા લોકો વિષે!

વાંચો ન્યુ ઓર્લીન્સનાં સ્ટ્રીટ આર્ટ વિષે!

નિબંધ

વાંચો સામૂહિક વિરોધ બાબતે મારાં વિચાર

વાંચો નિબંધ »

अनुवाद

पढ़िए झवेरचंद मेघाणी की रोमांचक कहानी - 'जाटो हलकारो', हिंदी में 

पढ़िए अनुवाद  »

હું વાંચું છું ...

 
ગયાં અઠવાડિયે મેં વાંચ્યો ચંદ્રકાન્ત બક્ષીનો પ્રખ્યાત/કુખ્યાત વાર્તા-સંગ્રહ જેનું નામ છે 'મશાલ'. જ્યારે ખરીદ્યું હતું ત્યારે ખબર નહોતી કે, આ પુસ્તક તેમનાં વિવાદાસ્પદ પુસ્તકોમાંનું એક છે. પણ, વાંચવાનું શરુ કર્યું ત્યારે એક શીર્ષક પર નજર પડી - 'કુત્તી' અને આંખો ચમકી! ખબર નહીં કેમ, મારાં મનમાં એવી છાપ હતી કે, 'કુત્તી' એક નવલિકા છે અને કોર્ટ કેસને કારણે બક્ષી એ આખું પુસ્તક લખી નહોતા શક્યા એટલે, 'મશાલ'ની અનુક્રમણિકામાં એક ટૂંકી વાર્તા તરીકે તેનું નામ વાંચીને મને સાનંદાશ્ચર્ય થયું હતું!    

જિજ્ઞાસા મને સૌથી પહેલા 'કુત્તી' તરફ જ ખેંચી ગઈ. આખી વાર્તા વાંચીને મારું પહેલું રિએક્શન હતું - સાવ આવી વાર્તા પાછળ આવડો મોટો વિવાદ? સમજી શકાય તેવી વાત છે કે, એ લખાઈ ત્યારે તેનો વિષય લોકોને અભદ્ર લાગ્યો હોઈ શકે પણ, કોર્ટ કેસ કરવો પડે તેવું તો કૈં જ તેમાં નથી! મને અંગત રીતે આ વાર્તાનાં વિષય પ્રત્યે ફરિયાદ નથી પણ, વિષયની માવજત વિષે છે. નથી મને આ વાર્તામાં કોઈ ઉદ્દેશ્ય દેખાતો કે, નથી કોઈ કૅરૅક્ટર આર્ક દેખાતો. હું માનું છું કે, કોઈ પાત્રનું અમુક તમુક રીતે હોવું કે, અમુક તમુક કામ કરવું એ વાર્તા નથી. એ પાત્ર એવું કેમ કરે છે, તેનાં તેમ કરવાથી તે કેવી કેવી પરિસ્થિતિઓમાં મૂકાય છે, તેને તેમ કરીને શું મળે છે, તે કઈ રીતે બદલાય છે - આ વાર્તા છે અને કુત્તીમાં મને તેમાંનું કૈં જ મળતું નથી એટલે અંગત રીતે મને આ વાર્તાએ ખૂબ નિરાશ કરી છે.

બાકીની વાર્તાઓમાં એક-બે અપવાદ સિવાય તમામ ખૂબ સરસ છે. 'મોટરસાઇકલ' બહુ સરળતાથી ફ્રોયડિયન ફિલસૂફીમાં સફર કરી આવે છે. 'અર્જુનવિષાદયોગ'નાં રૂપક, 'ટૅક્સી'ની સહજ કરુણતા, 'સ્પાર્કસ'ની સિગ્નેચર બક્ષી આત્મકથાત્મકતા ... 'મશાલ'ની વાર્તાઓમાં આવું ઘણું બધું છે જે આ પુસ્તકને ફક્ત વાંચવાલાયક નહીં, વસાવવાલાયક પણ બનાવે છે.
    

આજનું અચરજ

 
તમને ખબર છે રાણી પદ્માવતીની સુપ્રસિદ્ધ વાર્તા - 'પદ્માવત'નાં લેખક કોણ છે? તેમનું નામ છે મલિક મુહમ્મદ જૈસી. જૈસી એક સૂફી સંત અને પીર હતા. તેમણે ઈ.સ.1540માં અવધી બોલીમાં આ મહાકાવ્ય લખ્યું હતું. અવધી ભાષાનાં સૌથી જૂનાં અને અગત્યનાં ગ્રંથોમાં 'પદ્માવત'નો સમાવેશ થાય છે.

આ વાર્તામાં લખાયેલાં રાણા રતાનસેન અને અલાઉદ્દીન ખિલજીનાં પાત્રો ઐતિહાસિક છે. જ્યારે, રાણી પદ્માવતીનું પાત્ર કાલ્પનિક છે.આ આખી વાર્તા એક કાલ્પનિક બોધકથા છે જેનો મુખ્ય સાર એ છે કે, નિરંકુશ મહત્ત્વાકાંક્ષાઓ ફક્ત સર્વનાશ નોતરે છે. આ ક્ષણિક દુનિયામાં ઈચ્છાઓ અને લાલસા કાયમી છે અને માણસ પોતાનાં અંતિમ શ્વાસ સુધી આકાંક્ષાઓને છોડી નથી શકતો.

આ મહાકાવ્યનાં ઘણાં બધાં અનુવાદ અને ઍડેપ્ટેશન છે જેમાંનાં 12 તો ફક્ત ફારસી અને ઊર્દૂમાં છે! આપણી બાજુ તેનું જે સંસ્કરણ સૌથી વધુ પ્રખ્યાત છે, તે છે 'ગોરા બાદલ પદ્મિની ચોપાઈ'. કવિ હેમરતન લિખિત આ પુસ્તક પદ્માવતનું રાજપૂત શૈલીનું કથન છે જે, લગભગ ઈ.સ. 1589માં લખાયેલું હોવાનું માનવામાં આવે છે. સ્વાભાવિક છે કે, કોઈ પણ વાર્તાનાં જો આટલાં બધાં અનુવાદ અને સંસ્કરણ હોય તો તે દરેકમાં નાનાં મોટાં-અનેક ફેરફાર હોવાનાં.

કોઈ પણ સાહિત્યને આટલી બધી પ્રસિદ્ધિ મળ્યા પછી ધીમે ધીમે તે લોકસાહિત્યમાં પરિવર્તિત થઈને લોકજીભે ચડવા લાગે છે અને પછી કોઈ ને કોઈ સમયે તેને ઇતિહાસ માની લેવામાં આવે છે. વર્ષો વીતી જાય પછી લોકો પૂછતા બંધ થઇ જાય છે કે, એ કથા કાલ્પનિક છે કે, વાસ્તવિક? આમ થયા પછી એ વાર્તા પર લોકો પોતપોતાની પસંદગીનાં રંગ ચડાવતા જાય છે અને તેમાંનો એક રક્તરંજિત પણ હોય છે.
અહીં ક્લિક કરીને તમારા મિત્રોને આ ન્યુઝલેટર ફૉરવર્ડ કરો અહીં ક્લિક કરીને તમારા મિત્રોને આ ન્યુઝલેટર ફૉરવર્ડ કરો
Facebook
Twitter
Link
Website
Copyright © 2020 Rakhadta Bhatakta, All rights reserved.

Email Marketing Powered by Mailchimp