Copy
આ અંકમાં વાંચો - ન્યુ ઓર્લીન્સની સ્ટ્રીટ આર્ટ ટૂઅર, તાજેતરમાં મેં વાંચેલાં પુસ્તકોનાં રિવ્યુ અને બીજું ઘણું બધું ...  

નવો પ્રવાસ

આ પોસ્ટમાં મારી સાથે ચાલો ન્યુ ઓર્લીન્સની સ્ટ્રીટ આર્ટ ટૂઅર પર અને જાણો આ મ્યુરલ્સ સાથે સંકળાયેલી કહાનીઓ!

વાંચો ન્યુ ઓર્લીન્સનાં સ્ટ્રીટ આર્ટ વિષે!

નિબંધ

વાંચો 'અભિપ્રાય'નાં વિષય પર એક અભિપ્રાય

વાંચો નિબંધ »

अनुवाद

पढ़िए चंद्रकान्त बक्षी की रोमांचक कहानी - 'दोमानिको' का मेरे द्वारा किया गया हिंदी अनुवाद 

पढ़िए अनुवाद  »

હું વાંચું છું ...

 
છેલ્લાં બે અઠવાડિયામાં મેં ચંદ્રકાન્ત બક્ષીનાં બે પુસ્તકો વાંચ્યા - 'ઝિન્દાની' અને 'હું કોનારક શાહ', બંને નવલિકા/લઘુ નવલ છે.

'ઝિન્દાની'નું સૌથી પહેલું પ્રકરણ છે 'દોમાનિકો' - બક્ષીની શ્રેષ્ઠ ટૂંકી વાર્તાઓમાંની એક. પણ,'ઝિન્દાની'નાં બાકીનાં પ્રકરણોનો દોમાનિકો, આ ટૂંકી વાર્તા/ઝિન્દાનીનાં પહેલા પ્રકરણ કરતા સાવ અલગ જ છે.'દોમાનિકો' વાર્તાને પ્રેમ કરતા હોય એ દરેકને ઝિન્દાની નિરાશ કરશે તેવું મારું માનવું છે. આ નવલિકામાં મને પ્રવાહની કમી લાગી, કૅરૅક્ટર-બિલ્ડિંગની તો ભયંકર અછત લાગી અને પ્લૉટ પણ ખૂબ નબળો લાગ્યો. ઘણી વખત પાત્રો અચાનક એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી જાય છે, ત્યાં કઈ રીતે પહોંચ્યા, ત્યાં જ કેમ ગયા વગેરે કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા વિના! મારી બક્ષી-સફર તેમનાં લેખોનાં સંગ્રહથી શરુ થઇ હતી, પછી મેં વાંચી બક્ષીનામા, પછી ટૂંકી વાર્તાઓ અને સૌથી છેલ્લે નવલિકાઓ. 'ઝિન્દાની' વાંચી ત્યાં સુધી હું માની જ નહોતી શકતી કે, બક્ષી નબળું પણ લખી શકે!

ત્યાર પછી મેં હાથમાં લીધું 'હું કોનારક શાહ'. એક રાત્રે બારેક વાગ્યે આ પુસ્તક વાંચવાનું શરુ કરેલું અને તે પૂરું કરતા સવાર પડી. આ નવલિકા ઘણી સારી રીતે લખાયેલી છે અને ઘણાં અંશે આત્મકથાત્મક છે. ફક્ત એક ફરિયાદ છે કે, અહીં મને બાપુજીની બૅક-સ્ટોરીવાળો સબ-પ્લૉટ થોડો બિનજરૂરી અને પરાણે બેસાડેલો લાગ્યો. જો કે, તેને બહુ ઓછો સમય આપવામાં આવ્યો છે એટલે એ અવગણી શકાય તેવું છે.

આજનું અચરજ

 
ઑગસ્ટ 2009માં બ્રિટિશ કમ્પ્યુટર પ્રોગ્રામર, જ્હૉન ગ્રેહમ-કમિંગે બ્રિટિશ સરકારને 30,000 કરતાં પણ વધુ સહીઓ સાથે એક અરજી મોકલી હતી જેમાં તેમણે માંગણી કરી હતી કે, સરકારે 1952માં ઍલન ટ્યુરિંગ વિરુદ્ધ થયેલી અયોગ્ય કાર્યવાહી બદલ ટ્યુરિંગ પાસે માફી માંગવી જોઈએ. આ અરજી માન્ય રાખવામાં આવી હતી અને એ 2009નાં બ્રિટિશ વડા પ્રધાન - ગૉર્ડન બ્રાઉને 1954માં મૃત્યુ પામેલા ટ્યુરિંગની માફી માંગતો એક પત્ર પણ રજૂ કર્યો હતો. કોણ હતાં ટ્યુરિંગ? કઈ કાર્યવાહી હતી આ? બ્રિટિશ સરકારે ટ્યુરિંગનાં મૃત્યુનાં 55 વર્ષ પછી તેમની પાસેથી માફી માંગતો પત્ર કેમ રજૂ કર્યો હતો?

ઍલન ટ્યુરિંગ (1912-1954) વીસમી સદીનાં મહાન પૉલીમૅથ્સ અને વૈજ્ઞાનિકોમાંનાં એક હતા. ટ્યુરિંગ કમ્પ્યુટર સાયન્સનાં પિતામહ તરીકે પ્રખ્યાત છે. તેમણે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જર્મનીએ 'એનિગ્મા' વડે એન્કોડ કરેલાં મૅસેજિસને ડીકોડ કરવા માટેનું મશીન બનાવીને વિશ્વયુદ્ધનો સમયગાળો બેથી ચાર વર્ષ જેટલો ઘટાડ્યો હતો અને આ બે સંશોધનો સિવાય પણ વિજ્ઞાનનાં ઘણાં બધાં ક્ષેત્રોમાં તેમનો ફાળો બહુ મોટો અને મહત્ત્વનો રહ્યો છે.

ટ્યુરિંગનું જીવન અને મૃત્યુ બંને ખૂબ કરુણ રહ્યા હતા. તેનું સૌથી મોટું કારણ એ હતું કે, તે સમયનાં રૂઢિચુસ્ત બ્રિટનમાં, ટ્યુરિંગ ગે હતા. એ સમયે બ્રિટનમાં (અને બ્રિટિશ રાજનાં કારણે ભારત જેવા અનેક દેશોમાં પણ) ગે હોવું ગેરકાયદેસર ગણાતું હતું અને વધારામાં તેની સાથે જોડાયેલાં social stigma અલગ.

બ્રિટિશ પુલિસે એક કેસ હેઠળ ટ્યુરિંગને એક અતિ ક્રૂર, ભયાનક અને બિલકુલ બિનજરૂરી હૉર્મોનલ થેરપી કરાવવાની ફરજ પાડી હતી અને આ કેસને કારણે તે સમયે તેઓ બ્રિટિશ સરકારમાં પોતાની નોકરી પણ ગુમાવી બેઠાં હતાં. આ ઘટનાએ શારીરિક અને માનસિક રીતે તેમને તોડી નાંખ્યા હતા અને 1954માં દુનિયાએ  ફક્ત 41 વર્ષની ઉંમરનાં, આ અતિ પ્રતિભાશાળી વૈજ્ઞાનિકને ગુમાવ્યો.

1952માં અપૂરતી માહિતી સાથે બનેલાં એક અયોગ્ય કાયદા હેઠળ ટ્યુરિંગને આ પરિસ્થિતિમાં ધકેલવા બદલ બ્રિટિશ સરકાર માફી માંગે તેવી અરજી વર્ષ 2009માં જ્હૉને કરી હતી જે, સ્વીકારાઈ હતી.
અહીં ક્લિક કરીને તમારા મિત્રોને આ ન્યુઝલેટર ફૉરવર્ડ કરો અહીં ક્લિક કરીને તમારા મિત્રોને આ ન્યુઝલેટર ફૉરવર્ડ કરો
Facebook
Twitter
Link
Website
Copyright © 2020 Rakhadta Bhatakta, All rights reserved.

Email Marketing Powered by Mailchimp